Gujarat Rain: માંડ પાક ઉગે તે પહેલાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી,ખેડૂતોના હાલ બેહાલ, રાતા પાણીએ રડશે ખેડૂતો

Gujarat Rain: ગુજરાત રાજ્યમાના 50 ટકા ખેડૂતો 2 રૂપિયાની સહાય માટે ધક્કા ખાઈ રહ્યાં છે ત્યારે ગઈકાલે વરસેલા વરસાદને (Gujarat Rain)પગલે ખેડૂતોના તમામ પાકનો સોથ વળી ગયો છે. ત્યારે સરકાર હવે એસડીઆરએફના નિયમમુજબ ખેડૂતોને તેમના પાક નુક્સાનીની સહાય જાહેર કરશે. પણ ગ્લોબલ વોર્મિગની અસર હેઠળ બદલાયેલી સિઝનને કારણે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. ગુજરાત રાજ્યમાં 20થી 25 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા શિયાળુ પાકને આ વરસાદ ભારે નુક્સાન કરે તો પણ નવાઈ નહીં. જે પાકોમાં પિયતની જરૂર હતી એ પાકો માટે આ વરસાદ કાચા સોનાની માફક વરસ્યો છે પરંતુ શિયાળામાં ખેડૂતો એવા પાકોનુ વાવતેર કરતા હોય છે કે જેમને ઝાકળ પણ નુક્સાન કરતી હોય છે ત્યારે ચોમાસાની જેમ વરસેલા વરસાદે ગુજરાતના ખેડૂતોની હાલત બદથી બત્તર કરી દીધી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain: કયા ખેડૂતોને સહાય મળી?

ગુજરાત સરકાર હવે પાક નુક્સાનીની સહાયની આજ કાલમાં જ જાહેરાત કરશે પરંતુ ખેડૂતોને ફરી સહાય માટે લાઈનોમાં બેસવું પડશે. 6 મહિના પહેલાં ડુંગળીના ભાવ ઘટ્યા હતા ત્યારે પ્રતિ કિલો 2 રુની સહાય લેવા માટે હજુ પણ 50 ટકા ખેડૂતો ધક્કા ખાઈ રહ્યાં છે. ત્યારે સરકાર એવો દાવો કરે છે કે અમે અત્યાર સુધીમાં 15.76 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવી છે. કયા ખેડૂતોને આ સહાય મળી એ સૌથી મોટો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યમાં ભર શિયાળામાં ચોમાસું બેઠું હોય તેવો વરસાદ (Gujarat Rain)વરસી રહ્યો છે. આ અણધાર્યા કમોસમી વરસાદે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોંચાડયું છે. ખાસ કરીને સૌથી વધારે નુકશાન વરિયાળી, જીરૂ, ઘઉં, રાયડો, ધાણાં અને લીલા શાકભાજીના પાકોને થયું છે જેથી ખેડૂતોને ફરીથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

રવિ પાકની વાવણીમાં જ વરસાદ વિલન બન્યો

શિયાળુ સિઝનમાં હાલ માંડ માંડ ૬૦ ટકા વાવેતર થયું છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે 25 લાખ હેક્ટરની આસપાસ રવી સિઝનની વાવણી થતી હોય છે. જેમાં સૌથી વધારે ઘઉંના પાકની વાવણી થાય છે. આ સિઝનમાં જીરૂ, ધાણાં. ઘઉં, વરિયાળી, રાયડો તેમજ લીલા શાકભાજીની વધુ વાવણી કરાઈ છે. હજુ તો જીરાના અને વરિયાળી પાકને માંડ માંડ બીજી વખત પાણી અપાયુ છે ત્યાં કમોસમી (Gujarat Rain)વરસાદન મુસીબત બનીને ત્રાટક્યો છે. હજુ તો માંડ ધાણાંના છોડવા જમીન બહાર આવ્યા છે અને જીરાના છોડ તો હજુ ઉગ્યા પણ નથી. ત્યારે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. હવે આ પાક ઉગશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં જીરૂ-વરિયાળીના પાકને નુકશાન થયું તો તેના ભાવમાં વધારો થશે એમાં કોઈ બેમત નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 20 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાવાળા સાચવજો હિમ વર્ષા પણ થઇ શરૂ…

શું સરકાર સહાય ચૂકવશે?

ખેતી હવે સસ્તી રહી નથી દિવસે ને દિવસે ખેતી મોંઘી થતી જાય છે. ખેડૂતો ખાતર, બિયારણ, અને જંતુનાશક દવાઓ તેમજ ખેતમજૂરી માટે હજારો રૂપિયાનો ખર્ચો કરે છે. ખર્ચ પછી માંડ પાક ઉંગે તે પહેલાં કમોસમી વરસાદ વરસે ત્યારે ખેડૂતોને કમર ભાંગી નાંખે છે. ગુજરાતમાં ખેડૂતોને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી સર્જાઇ છે. હવે કૃષિ વિભાગ પાક નુક્સાનીન જાહેરાત કરશે પણ જ્યાં વાવણી થઈ છે અને પાક હજુ બે પાંદડે માંડ થયો છે ત્યાં ગુજરાત સરકાર કેવી રીતે નુક્સાની ચૂકવશે એ સૌથી મોટો સવાલ છે. ઘણા ખેડૂતોને ફરી વાવણી કરવી તેવી પણ સંભાવના છે. જેને પગલે ફરી ખર્ચો કરવો પડશે.